કલા ઉત્સવ

શાળા કક્ષાથી રાજ્ય કક્ષા સુધી બાળકને તક આપતી કલાની પ્રવૃત્તિ

એટલે કલાઉત્સવઃ

બાળચિત્રકાર અને બાળકવિ સર્જનનું એક અદભૂત પ્લેટફોર્મ

એટલે કલાઉત્સવઃ

પ્રસ્તાવનાઃ

       દરેક શાળામાં સારામાં સારા કલાકારો છુપાએલા છે. આ કલાકારોની શક્તિને બહાર લાવવાનું પ્લેટ ફોર્મ પુરુ પાડવાની પ્રવૃત્તિ એટલે કલા ઉત્સવ. છેલ્લા ત્રણ વર્ષથી પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને બાલકવિ અને ચિત્રકલા ક્ષેત્રે રસ ધરાવતા ભાગ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓને આગળ લાવવાનું પૂણ્ય કાર્ય આ પ્રવૃત્તિ દ્વ્રારા હાથ ધરવામાં આવે છે. સૌ પ્રથમ નિયત કરેલ સમયગાળા દરમ્યાન શાળા કક્ષાએ પ્રાથમિકમાં ધોરણઃ૧ થી ૫માં અને ધોરણઃ૬ થી ૮માં ચિત્રકલા સ્પર્ધા અને ધોરણઃ ૬ થી ૮માં બાલકવિ સ્પર્ધા યોજવામાં આવે છે.

       આ જ રીતે માધ્યમિક વિભાગમાં ધોરણઃ ૯ અને ૧૦, બાલ કવિ અને ચિત્ર સ્પર્ધા તેમજ ઉચ્ચતર માધ્યમિકમાં બાલકવિ સ્પર્ધા શાળા કક્ષાએ યોજાય છે. શાળા કક્ષાએ પ્રથમ ક્રમ મેળવેલ સ્પર્ધક પ્રાથમિક વિભાગમાં ક્લસ્ટર કક્ષાએ અને માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ક્યુડીસી કક્ષાએ ભાગ લેવા જાય છે. આ કક્ષાએ પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવે છે. તેમજ આ તબક્કે પ્રથમ ક્રમ મેળવેલ વિદ્યાર્થી પ્રાથમિકમાં તાલુકા કક્ષાએ અને માધ્યમિક વિભાગમાં એસ.વી.એસ. કક્ષાએ ભાગ લેવા જાય છે. અહિં પણ પ્રથમ ત્રણ ક્રમ મેળવેલ વિદ્યાર્થીઓને ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવે છે. અહિં પ્રથમ ક્રમ મેળવેલ વિદ્યાર્થી જિલ્લા કક્ષાએ ભાગ લેવા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ખાતે આવે છે.

       આ તબક્કે સ્પર્ધા યોજાયા બાદ પ્રથમ ત્રણ સ્પર્ધકને ઇનામ, પ્રશસ્તિપત્ર અને સ્મૃતિચિન્હ આપવામાં આવે છે. આ વિજેતા સ્પર્ધકોને જિલ્લાના જે તે ક્ષેત્રના નિષ્ણાતો દ્વ્રારા ત્રણ દિવસીય માર્ગદર્શન શિબિરમાં જે તે વિભાગનું વિશિષ્ટ અને સઘન માર્ગદર્શન આપવામાં આવે છે. જેથી તે એક સમૃદ્ધ કલાકાર બનવાની દીશામાં પ્રગતિ કરી શકે. જિલ્લાના પ્રથમ વિજેતા વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ યોજાનારી સ્પર્ધામાં ભાગ લેવા જાય છે.