Tourist Places


ગાંધીનગરમાં જોવાલાયક સ્‍થળો :-

 1. વરદાયીની માતાનું મંદિર : ગાંધીનગર જિલ્લા/તાલુકાના રૂપાલ ગામે વરદાયીની માતાનું જોવાલાયક મંદિર આવેલ છે. નવરાત્રિના આઠમના દિવસે અહીં ઘીની પલ્‍લી ભરાય છે. પલ્‍લીના દર્શન કરવા માટે ગુજરાતના દૂર-દૂરના ગામેથી લોકો આવે છે, અને માતાજીની પલ્‍લી પર ઘી ચઢાવે છે.

2.અડાલજની વાવ : ગાંધીનગર જિલ્લા/તાલુકાના અડાલજ ગામે સુપ્રસિદ્ધ વાવ આવેલ છે. અડાલજની વાવનું બાંધકામ 14મી સદીમાં થયેલ હતું. આ વાવ તેની કોતરણી અને કલા કારીગરી માટે ખૂબ જ પ્રખ્‍યાત છે.

અંબાપુરા ગામે પણ અડાલજની વાવ જેવી જ કોતરણી અને કલાકારીગરીવાળી વાવ આવેલ છે.

. વૈજનાથ મહાદેવનું મંદિર : ગાંધીનગરથી માણસા રોડ ઉપર વાસણા ગામની નજીક સુપ્રસિદ્ધ વૈજનાથ મહાદેવનું ઐતિહાસિક મંદિર આવેલ છે. જ્‍યાં હજારો યાત્રાળુઓ દર્શનાર્થે આવે છે.

4.અક્ષરધામ મંદિર : 20મી સદીમાં આર્કિટેક્ટની દૃષ્‍ટિએ ઉત્તમ થયેલા બાંધકામો પૈકીનું એક સર્જન એટલે ‘અક્ષરધામ’. અક્ષરધામ એ ભગવાન સ્‍વામિનારાયણનું 108 ફૂટ ઉંચુ ગુલાબી કલરના પથ્‍થરમાંથી બનાવવામાં આવેલ મંદિર છે. જે 23 એકર જમીનમાં હરિયાળા બાગ બગીચા સાથે વિસ્‍તરેલ છે. અક્ષરધામ મંદિર રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય પર્યટક સ્‍થળ તરીકે ખ્‍યાતિ પામેલ છે. અક્ષરધામ મંદિરના બાંધકામમાં 6000 (છ હજાર) ટન ગુલાબી પથ્‍થરનો ઉપયોગ કરવામાં આવેલ છે. તેમાં લોખંડ અને બીજી કોઇપણ પ્રકારની સામગ્રીનો ઉપયોગ થયેલ નથી. અક્ષરધામ મંદિરમાં દુનિયાના પ્રથમ 14 પડદા (સ્‍ક્રીન) વાળા મલ્‍ટી મીડીયાનું પ્રદર્શન જોવાલાયક છે. આ પ્રદર્શન ભારતીય સંસ્‍કૃતિ ઉપર તૈયાર કરવામાં આવેલ છે. અક્ષરધામ મંદિરમાં બાળકો માટેના જુદા જુદા પ્રકારની રાઇડસવાળો બાલઉદ્યાન પણ આવેલો છે. ભારત અને દુનિયાના ખૂણે-ખૂણેથી લોકો હજારોની સંખ્‍યામાં અક્ષરધામ મંદિરમાં દર્શન માટે આવે છે.

5. ઇન્‍દ્રોડા પાર્ક : સાબરમતી નદીના કિનારે આવેલ 168 હેકટર જમીનમાં પથરાયેલ ઇન્‍દ્રોડા પાર્ક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્‍દ્ર છે. ઇન્‍દ્રોડા પાર્કમાં હરણ ઉદ્યાન, કેમ્‍પસાઇટ, બોટનીકલ ગાર્ડન, મગરો માટેનું તળાવ અને જુદા જુદા પ્રકારના પક્ષીઓ-પ્રાણીઓ જોવાલાયક છે. શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે ઇન્‍દ્રોડા પાર્કના શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. અહીંયા જુદા જુદા પ્રકારના 250 વૃક્ષો અને 300 પ્રકારના થોર તેમજ આયુર્વેદિક વનસ્‍પતિ પ્રવાસીઓ જોઇ શકે છે. સાબરમતી નદીના કિનારાના કોતરો-ખીણો પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્‍દ્ર છે. અહીંયા ડાયનાસોર પાર્ક પણ તૈયાર કરવામાં આવેલ છે.

6. સરિતા ઉદ્યાન : સાબરમતી નદીના કિનારે પિકનિક માટેનું ખૂબ જ ઉત્તમ સ્‍થળ અને રમણીય બગીચો અને સરિતા ઉદ્યાનનું પ્રવેશ દ્વાર પેગોડા જેવું આકર્ષક બનાવવામાં આવેલ છે. રવિવારની રજાના દિવસે અમદાવાદના લોકો ખૂબ જ મોટી સંખ્‍યામાં સરિતા ઉદ્યાનમાં પિકનિક માટે આવે છે.

7. આચાર્યશ્રી કૈલાસ સાગર જ્ઞાન મંદિર : કોબા પાસે આવેલ આચાર્યશ્રી કૈલાસ સાગર જ્ઞાન મંદિરમાં સૌથી મોટી લાયબ્રેરીઓ પૈકીની એક લાયબ્રેરી-મ્‍યુઝિયમ સાથેની આવેલ છે. જેમાં 250000 (બે લાખ પચાસ હજાર) હાથથી લખેલ હસ્‍તપ્રતો કે જેમાં 3000 (ત્રણ હજાર) તામ્રપત્રોના લખાણવાળા જુદા જુદા વિષયોના ગ્રંથોનો સંગ્રહ કરવામાં આવેલ છે.

8. મહુડી જૈન તીર્થ : ગાંધીનગરથી આશરે 40 કિલોમીટર દૂર જૈનોનું મહાન તીર્થધામ ઘંટાકર્ણ મહાવીરનું ખુબ જ પ્રખ્‍યાત મંદિર આવેલું છે. દર રવિવારે ખૂબ જ મોટી સંખ્‍યામાં જૈનો તથા અન્‍ય ધર્મના લોકો પણ અહીંયા દર્શન કરવા માટે આવે છે.

9. બાલોદ્યાન : ઘ રોડ પર સેકટર : 28 માં 25 હેકટર જેટલી વિશાળ જગ્‍યામાં બગીચાનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં, બાળકોના આનંદ-પ્રમોદ માટે મીની-ટ્રેઇન, બોટિંગ પોન્‍ડ અને રમત ગમતની અન્‍ય સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.

10. સચિવાલય સંકુલ : શહેરના હાર્દ સમા સેકટરઃ10 માં તે આવેલું છે. 185 એક જમીનમાં પથરાયેલી આ ઇમારતોની રચના, રૂપ, આકાર, સ્‍થાન ઇત્‍યાદિ પાટનગરના મોભા અને જરૂરિયાતને છાજે એવાં છે. શ્રી વિઠ્ઠલભાઇ પટેલ ભવન (વિધાનસભા) યોગ્‍ય રીતે સમગ્ર સંકુલના કેન્‍દ્ર સ્‍થાને વર્તુળાકાર જળકુંડના મધ્‍યમાં મોગલ શૈલીની એક વિશાળ ચોરસ પીઠિકા ઉપર શોભાયમાન છે. અને શહેરના રાજપથ જેવા પૂર્વથી પશ્ચિમ જતા માર્ગની મધ્‍યરેખા પર આવેલી છે. આ માર્ગના પશ્ચિમ છેડે રેલ્‍વે સ્‍ટેશન તેમજ પૂર્વ તરફ સાબરમતીના સાંનિધ્‍યમાં ગાંધીજીનું એક ભવ્‍ય સ્‍મારક છે. લોકશાહીના એક અતિ મહત્‍વના અંગને આમ ઉચિત રીતે જ કેન્‍દ્રસ્‍થાને મૂકવામાં આવ્‍યું છે.

11. રમતગમત સંકુલ : દરેક પ્રકારની રમતગમત માટેના ટ્રેક, શૂટિંગ રેન્‍જ, ઓલમ્‍પિક સાઇઝ સ્‍વીમિંગ પુલ અને સ્‍પોર્ટસ હોસ્‍ટેલ સાથેનું સુવિધાપૂર્ણ સંકુલ આવેલું છે.

12. કાળી માનો વડ : દહેગામ તાલુકાના કંથારપુરા ગામે ખારી નદીના કિનારે કબીરવડનો વારસ એવો મોટો વડ છે. વડની વડવાઈથી સ્‍વયં મહાકાળી માતાજીનું મંદિર બનેલ છે. જેમાં માતાનો વાસ છે. દહેગામથી 15 કિમી દૂર છે. હાલીસા થઈને જવાય છે.

13. સાંપાની વાવ : દહેગામ તાલુકાના સાંપા ગામે હાલીસા થઈને અડાલજની વાવ તરફ ગતિ કરતી એક સુંદર વાવ છે. જે વાવ હાલીસામાં (હાલ બંધ હાલતમાં) અવશેષ છે. જે જોવા મળે છે.

14. બટાટા અને પંચવટી પાર્ક : બટાટાની ખેતીનું મોટું મથક દહેગામથી માત્ર 8 કિમી દૂર જ્‍યાં કેન્‍દ્ર સરકારની મદદથી પંચવટી પાર્ક પણ જોવાલાયક છે.

15. વનસ્‍પતિ ઘીની મીલ : રખિયાલ મુકામે વનસ્‍પતિ ઘી બનાવતી મીલ (ફેક્‍ટરી) છે.

16.જવાહર નવોદય વિદ્યાલય : કેન્‍દ્ર સરકાર સંચાલીત J.N.V. વિદ્યાલય જોવાલાયક શિક્ષણધામ છે.

17. ઠાકોર સાહેબની વાવ : માણસા મુકામે ઠાકોર સાહેબની વાવ છે. ખેતીવાડી ઉત્‍પન્ન બજાર છે. બી.ટી. કપાસના 5 થી 6 અબજના વેપારી મથકો. પંજાબ રાજ્‍ય મોટું ગ્રાહક છે.

18. કૃષિ યુનિવર્સિટી : રાંધેજા મુકામે કૃષિ યુનિવર્સિટીમાં ઘણા અભ્‍યાસક્રમો ચાલે છે.

19. અંબાજી મેળો : ગાંધીનગરથી 18 કિમી દૂર અંબાજી માતાનું યાત્રાધામ એટલે ગિયોડ.

20. જક્ષણી માતાનું મંદિર : ગાંધીનગરથી 25 કિમી દૂર સાબરમતીના કિનારે સાદરા ગામે જક્ષણી માતાનું મંદિર. ભાદરવા મહિનાના બીજા રવિવારે મેળો ભરાય છે. ગાયકવાડી સ્‍ટેટ હોવાથી રાજાનો ખંડેર મહેલ, જૂનું ટાવર, ટી.બી. હોસ્‍પિટલ, ગુજરાત વિદ્યાપીઠ વગેરે આવેલાં છે.

21. જળ સિંચાઈ : અદ્યતન ડ્રીપ ઇરીગેશન વ્‍યવસ્‍થા ઉત્તમ ખેતી, પશુપાલન, સમૂહલગ્ન મહોત્‍સવ, 100 થી વધુ યુગલોના દર વર્ષે વસંત પંચમીના દિવસે લગ્ન સમારંભ, ફળોની ખેતી, અહીંના (ચંદ્રાલા) દૂધી અને ભીંડા લંડન સુધી જાય છે. આ તમામ બાબત ગાંધીનગરથી 23 કિમી દૂર આવેલા ચંદ્રાલા ગામની મુલાકાત લેવા જેવી છે.

22. કષ્ટભંજન દેવ : ડભોડા મુકામે જૂનું પુરાણું હનુમાનજીનું મંદિર છે. મૂક-બધીર તથા પાગલોની હોસ્‍પિટલ છે.

23. મંદિરોની નગરી લોદરા : માણસા તાલુકાના મહુડી જતાં વચ્‍ચે લોદરા ગામ એટલે સંસ્‍કાર અને શિક્ષણ સિંચનનું સ્‍થળ. અહીં મંદિરો તથા શૈક્ષણિક સંસ્‍થા સંકુલો આવેલા છે. જે જોવાલાયક છે.

24. અન્‍ય : આ ઉપરાંત ગાંધીનગરમાં ઇન્‍ફોસીટી, આઇ.ટી. કોલેજ, લોદરાની આયુર્વેદિક કોલેજ, વિધાનસભા સંકુલ, કલોલનું ઇફકોનું કારખાનું, ગ્રેવીટી ઘડિયાળનું કારખાનું, ધોળાકૂવા ગામ, મંત્રી નિવાસ સંકુલ, રાજભવન, ગાંધી સ્‍મારક, સરકીટ હાઉસ, હિંદુ સ્‍મશાન ભૂમિ, લશ્‍કરી છાવણી, કેન્‍દ્રીય અનામત દળ વસાહત, ઘાસ ઉછેર સંશોધન સંસ્‍થા વગેરે સ્‍થળો જોવાલાયક છે.

2.4    મનોરંજન માટેના સ્‍થળો :-

ફનવર્લ્‍ડ : ગાંધીનગર-અમદાવાદ રોડ ઉપર બાળકો માટે ફન વર્લ્‍ડ બનાવવામાં આવેલ છે. જેમાં બોટીંગ અને જુદા જુદા પ્રકારની રાઇડસની રમત દ્વારા નાના બાળકોને ખૂબ જ મનોરંજન મળે છે.

સ્‍વપ્નસૃષ્‍ટી વોટરપાર્ક : ગાંધીનગરથી 18 કી.મી. દૂર ગાંધીનગર મહુડી રોડ ઉપર સ્‍વપ્ન સૃષ્‍ટી વોટરપાર્ક એન્‍ડ વોટર રીસોર્ટ સાબરમતીના કિનારે આવેલ રજા ગાળવાનું માણવાનું એક ઉત્તમ સ્‍થળ છે. આ વોટર પાર્કમાં જુદા જુદા પ્રકારની 30 રાઇડસ, કૃત્રિમ બરફ વર્ષા, વોટર રાઇડ, કૃત્રિમ વરસાદ અને અન્‍ય મનોરંજન માટેની સગવડો છે.

સીટીપલ્‍સ મલ્‍ટી પ્‍લેકસ : ગાંધીનગર-અમદાવાદ રોડ ઉપર આવેલ સીટીપલ્‍સ મલ્‍ટી પ્‍લેકસ થિયેટર ભારતનું સૌથી પહેલું મલ્‍ટી પ્‍લેકસ થિયેટર છે. અહીં ત્રણ થિયેટર, રેસ્‍ટોરન્‍ટ અને અન્‍ય રમતોની સગવડો છે.

 

આર. વર્લ્‍ડ : અડાલજ પાસે આવેલું, મનોરંજનની સગવડો પુરુ પાડતું મલ્‍ટી પ્‍લેકસ થિયેટર છે. અહીંયા પણ ત્રણ થિયેટર, રેસ્‍ટોરન્‍ટ અને અવનવી રમતો રમવા માટેની સગવડ અને ભેટ આપવા માટેની ખરીદી કરવાની સગવડો પ્રાપ્‍ય છે.